પેટમાં ઘુસીને પગ પ્રસારવામાં પણ પાવરધા છે લેબગ્રોન : વર્ષના અંત સુધીમાં યુએસમાં લેબગ્રોનનું બજાર 10 બિલિયન ડોલરને પાર કરી જશે

82

અમેરિકા, યૂરોપ સહિત વિદેશના બજારોમાં વ્યાજબી ભાવમાં મળતી લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સંખ્યાબંધ જ્વેલરી ઉત્પાદકોઍ લેબગ્રોન ડાયમંડ સાથે આકર્ષક વેરાયટીની જ્વેલરીનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ ક્ષેત્રે નવા સ્ટાર્ટ અપના મંડાણ શરૂ થયા છે. સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી આ ક્ષેત્રે ઉભરતું નવું માર્કેટ સેગમેન્ટ છે.

ડાયમંડ ટાઇમ્સ કવર સ્ટોરી : – હીરા ઝવેરાત ક્ષેત્રના અમેરિકાના અગ્રણી મીડીયા હાઉસ ઇન્સ્ટોરમેગ દ્વારા લેબગ્રોન હીરાના બજાર અંગે રિચર્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે તેમણે પ્રતિસપ્તાહ 2500થી વધુ જ્વેલરી રિટેલરોના અભિપ્રાયો લીધા હતાં. મીડીયા હાઉસ ઇન્સ્ટોરમેગએ રિચર્સ પછીના પરિણામો પ્રસિધ્ધ કર્યા છે.

જેમા જણાવવામાં આવ્યું છે કે વર્ષના અંત સુધીમાં અમેરિકામાં લેબગ્રોન હીરાનું બજાર 10 બિલિયન અમેરિકી ડોલરને પાર કરી જશે. તેમણે એવો પણ ચોકાવનારો દાવો કર્યો છે કે લેબગ્રોન હીરા હવે શ્રીમંતોની પણ પ્રથમ રાઈટ ચોઈસ બની રહ્યાં છે. ગત વર્ષમાં ટ્રાન્સપરન્સી માર્કેટ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ પછીના પરિણામમાં બહાર આવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 34.3 બિલિયન અમેરિકી ડોલરને આંબી જશે

. તેમના કારણમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ઝવેરાત ઉપરાંત કૃત્રિમ હીરાનો વ્યાપક ઉપયોગ ખાણકામ, તબીબી પ્રક્રિયાઓ, બાંધકામ, પ્રાયોગિક ભૌતિક શાસ્ત્ર, અવકાશ અભિયાન, સખત ધાતુ અને પથ્થર કાપવાની પ્રવૃત્તિઓમાં થાય છે. જેનાથી હીરા બજારમાં તેના આશાસ્પદ વેચાણની તકો ઉજળી બની છે. હીરા ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તરીકે વિખ્યાત સુરતમાં પણ હવે ખાણકામ કરેલા કુદરતી ડાયમંડની સાથે લેબગ્રોન હીરાનું ઉત્પાદન પણ સતત વધી રહ્યું છે.

લેબગ્રોન ડાયમંડની ચમક જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રસરી રહી છે. જ્વેલરી ક્ષેત્રે લેબગ્રોન હીરાએ એક અલગ જ સ્થાન બનાવ્યુ છે. લેબગ્રોન ડાયમંડનો ચાહકવર્ગ વિસ્તરતા તેના વેલ્યૂ ઍડિશન સાથે બનેલી જ્વેલરીનો ક્રેઝ પણ સતત વધી રહ્યો છે. વળી અમેરિકા, યૂરોપ સહિત વિદેશના બજારોમાં વ્યાજબી ભાવમાં મળતી લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

સંખ્યાબંધ જ્વેલરી ઉત્પાદકોઍ લેબગ્રોન ડાયમંડ સાથે આકર્ષક વેરાયટીની જ્વેલરીનું ઉત્પાદન શરૂ કર્યું છે.આ ક્ષેત્રે નવા સ્ટાર્ટ અપના મંડાણ શરૂ થયા છે. સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી આ ક્ષેત્રે ઉભરતું નવું માર્કેટ સેગમેન્ટ છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા નંબર પર છે.

લેબગ્રોનની વૈશ્વિક માંગ વધતા અનેક જાયન્ટ અને આર્થિક રીતે સક્ષમ કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશી છે. ભારતમાં જ તેનું રો મટેરિયલ સરળતાથી ઉપલબ્ધ બનતા હાલ સુરતમાં 300થી પણ વધુ કંપનીઓ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરી રહી છે.

તો બીજી તરફ અનેક જ્વેલરી કંપનીઓ પણ લેબગ્રોન ડાયમંડમાં વેલ્યૂ એડિશન કરી પેન્ડેન્ટ, બ્રેસલેટ્સ, મંગળસૂત્ર, રીંગ સહિત આકર્ષક જ્વેલરીનું ઉત્પાદન શરૂ કર્યુ છે. આમ આ ક્ષેત્રમાં પણ સુરતની અનેક જ્વેલરી કંપનીઓ વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ના સૂત્રને સાર્થક કરી રહી છે.

તમામ વર્ગમાં આકર્ષણ જમાવી રહી છે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી

કુદરતી હીરાની તુલનાએ વ્યાજબી કિંમતે મળતા લેબગ્રોન ડાયમંડ વેલ્યૂ ઍડિશન સાથે જ્વેલરીમાં દરેક વર્ગમાં ખાસ આકર્ષણ જમાવી રહ્યાં છે. તેની કિંમત કુદરતી ડાયમંડની તુલનાએ 30 ટકા થી 40 ટકા ઓછી છે. લેબગ્રોન ડાયમંડ દેખાવ અને ચળકાટમાં આબેહૂબ કુદરતી હીરા જેવા જ છે.આ ઉપરાંત તે ઇકોફ્રેન્ડલી, પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ છે. લેબગ્રોન ડાયમંડ પ્રોસેસ પછી રિ-યૂઝ માટે પણ યોગ્ય છે. આ ઉપરાંત કુદરતી હીરની જેમ જ લેબગ્રોન ડાયમંડનું પણ લેબોરેટરીમાં સર્ટીફિકેશન કરી શકાય છે.

વ્યાજબી કિંમત અને ઇકો ફ્રેન્ડલી ગુણધર્મ : લેબગ્રોન ડાયમંડનું જમા પાસુ

કોવિડ-19 મહામારી દરમિયાન ગ્રાહકોની માનસિકતામાં મોટો ફેરફાર થયો છે. તેઓ હવે પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ હોય તેવી સસ્ટેનેબલ જીવનશૈલી અપનાવી રહ્યાં છે. વિવિધ સંશોધન અહેવાલો અનુસાર દરેક પ્રોડક્ટની બાબતમાં તે પર્યાવરણને અનુકૂળ હોય તેવા વિકલ્પો ત્રીજું સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે.

લેબગ્રોન ડાયમંડ જ્વેલરી કિંમતમાં વ્યાજબી હોવાની સાથે તે ઇકોફ્રેન્ડલી છે, જે તેનું મુખ્ય જમા પાસું હોવાથી તેના ચાહકો વધી રહ્યાં છે. વિવિધ જેમેલોજીકલ લેબમાં સર્ટીફિકેશન માટે લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

આગામી 10 વર્ષમાં 1 લાખ કરોડને આંબી જશે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું માર્કેટ

વૈશ્વિક સ્તરે લેબગ્રોન ડાયમંડની માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. યુવાવર્ગમાં લેબગ્રોન ડાયમંડે અનેરૂઆકર્ષણ જમાવ્યું છે. ઓવર ઓલ ડાયમંડ બિઝનેસમાં હાલમાં લેબગ્રોન ડાયમંડનો માર્કેટ શેર 3.5 ટકા છે. જે વર્ષ 2030 સુધીમાં વધીન 20 ટકા થવાની અપેક્ષા છે. લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં વિકસી રહેલું નવું માર્કેટ સેગમેન્ટ છે. હાલમાં વૈશ્વિક સ્તરે તેનું માર્કેટ 13,000 કરોડનું છે. જે ત્રણ વર્ષમાં 36,000 કરોડ જ્યારે 2030 સુધીમાં 1,00,000 કરોડને આંબી જાય તેવી અપેક્ષાઓ છે.

પાંચ વર્ષમાં લેબગ્રોનનું વૈશ્વિક બજાર 34.3 બિલિયન અમેરિકી ડોલરને આંબી જશે.

લેબગ્રોન હીરાના વૈશ્વિક બજાર અંગે ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચના અગાઉના અહેવાલ અનુસાર વર્ષ 2027 સુધીમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 7.2 ટકાની વૃદ્ધિ સાથે 34.3 બિલિયન અમેરિકી ડોલરને આંબી જાય તેવી અપેક્ષા છે. વળી કુદરતી હીરાની તુલનાએ કૃત્રિમ હીરા તેમની ઉચ્ચ સ્તરની શુદ્ધતાને કારણે પણ ટ્રેક્શન મેળવી રહ્યાં છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જ્વેલરી ઉદ્યોગની સમાંતર ઇન્ડસ્ટ્રીયલ હેતુઓ માટે સિન્થેટિક ડાયમંડનો વધતો જતો ઉપયોગ લેબગ્રોન હીરાના વેંચાણને તીવ્ર વેગ આપી રહ્યો છે. કોસ્ટિક, મિકેનિકલ, થર્મલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોકેમિકલ અને ઓપ્ટિકલ ગુણધર્મોના અનન્ય સંયોજનને કારણે આધુનિક ટેકનોલોજીમાં કૃત્રિમ હીરાનો ઉપયોગ થઈ રહ્યો છે.

કોમ્પ્યુટર ચિપ્સનો વધતો ઉપયોગ લેબગ્રોન હીરાના બજારની વૃદ્ધિને વેગ આપી રહ્યો છે. આ તમામ પ્રકારની ગતિવિધીના પગલે લેબગ્રોન હીરાની ડીમાન્ડમાં સતત વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી છે.

2030 સુધીમાં લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ભારત હશે અવ્વલ

લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ભારત વિશ્વનું મુખ્ય કેન્દ્ર બને તેવી મજબુત સંભાવનાઓ છે.ભારતના હીરા ઉદ્યોગ માટે ગર્વ લઈ શકાય તેવી આ શક્યતાઓ પાછળ અનેક મજબુત પરિબળો છે.

લેબગ્રોન હીરાના ઉત્પાદન અને કારોબારમાં ઝંપલાવનાર સાહસિક ઉદ્યોગપતિઓ, કુશળ અને મહેનતુ માનવબળ, લેબગ્રોન હીરાના ઉત્પાદન માટે પ્રયોગશાળામાં વપરાતી મશીનરીમાં સતત રિચર્સ અને ડેવલોપિંગ, દેશ-વિદેશમાં લેબગ્રોન હીરાની સતત વધી રહેલી માંગ, કુદરતી હીરાના ઉત્પાદનમા સતત ઘટાડો અને કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરાની સસ્તી કિંમત સહિતના અનેક પરિબળો કામ કરી રહ્યાં છે.

બેન એન્ડ કંપનીના અહેવાલ અનુસાર અંદાજીત 7 મિલિયન કેરેટની વૈશ્વિક માંગની સરખામણીએ લેબગ્રોન હીરાના વાર્ષિક 3 મિલિયન કેરેટ ઉત્પાદન સાથે ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને જ્યારે ભારત હાલ બીજા સ્થાને છે. ઉપરાંત સિંગાપોર અને અમેરિકાનું સંયુક્ત 1 મિલિયન કેરેટ ઉત્પાદન છે. ભારતની લેબગ્રોન હીરાની નિકાસ પ્રતિવર્ષ લગભગ 55 ટકાના જંગી વૃદ્ધિ પામી રહી છે.

આપણ જાણી લો : નીચી કિંમતના કારણે નહી, પરંતુ મોટા કદના કારણે લેબગ્રોન બની રહ્યાં છે લોકપ્રિય

અમેરીકાની ખ્યાતનામ એમવીઆઈ માર્કેટિંગના સર્વેક્ષણમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરાની નીચી કીંમતના કારણે નહી,પરંતુ મોટા કદના કારણે ગ્રાહકો આકર્ષાઈ લેબગ્રોન હીરાની ધુમ ખરીદી કરી રહ્યાં છે !

અહેવાલ અનુસાર ફેશન અને બ્રાઈડલની બંને કેટેગરીમાં શ્રીમંતો અને નવી જનરેશન મોટા કદના કારણે લેબગ્રોન હીરાની ખરીદી તરફ વળ્યા છે. નોંધનિય છે કે MVIએ આ સર્વેક્ષણ માટે 20 થી 35 વર્ષની ઉમરના 754 ગ્રાહકોને સામેલ કર્યા હતા.જેમાં 59 ટકા મહીલાઓ અને 41 ટકા પુરૂષો હતા.આ તમામ ગ્રાહકોને 17 જેટલી લેબગ્રોન હીરા જડીત જ્વેલરી બ્રાન્ડમાથી પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

જે પૈકી 43 ટકા ગ્રાહકોએ બ્રાન્ડેડ જ્વેલરી પર પસંદગી ઉતારી હતી.જેમા સૌથી વધુ જાણીતી બ્રિલિયન્ટ અર્થ 36 ટકા સાથે પ્રથમ સ્થાને છે.ત્યારબાદના સ્થાને ડાયમંડ નેક્સસ,ન્યૂ વર્લ્ડ ડાયમન્ડ્સ,ગ્રોન ડાયમન્ડ્સ,લાઇટબોક્સ, ક્લીન ઓરિજિન અને ગ્રોન બ્રિલિયન્સ બ્રાન્ડનો સમાવેશ થાય છે.

MVI દ્વારા કિંમત વિરુદ્ધ-કદ-વિરુદ્ધ-ગુણવત્તાના સમીકરણને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા એક રોચક સર્વેક્ષણ દરમિયાન લેબગ્રોન હીરાની પસંદગી તરફ વળેલા ગ્રાહકોએ જણાવ્યું હતું કે કુદરતી હીરાના મુલ્યની તુલનાએ એટલી જ કીંમતમાં મોટા કદનો લેબગ્રોન હીરો ખરીદવાની તક મળી રહી છે.

આ મજબુત વિકલ્પના કારણે અમો લેબગ્રોન હીરા પર પસંદગી ઉતારી રહ્યાં છીએ.ઉલ્લેખનિય છે કે સર્વેક્ષણમાં સામેલ 50 ટકા લોકોએ લેબગ્રોન હીરા પર તો 32 ટકા લોકોએ કુદરતી હીરા પર પસંદગી ઉતારી હતી.જ્યારે 22 ટકા લોકો આ મુદ્દે કોઇ નિર્ણય લઈ શક્યા ન હતા. અહેવાલ અનુસાર 20 થી 35 વર્ષની વયની નવી જનરેશનમાં લેબગ્રોન પ્રત્યે આકર્ષણ વધ્યુ છે.

15 ટકા યુવા ગ્રાહકોએ લેબગ્રોન હીરા જડીત દાગીના પર પસંદગી ઉતારી હતી.ગત વર્ષ 2021 દરમિયાન આ આંકડો 10 ટકા હતો.મહિલાઓએ લેબગ્રોન હીરા જડીત દાગીના ખરીદવા માટે તેમની પ્રથમ પસંદગી તરીકે ફેશન પીસને ક્રમાંક આપ્યો હતો.જેમાં પોતાના અંગત વપરાશ માટેની જવેલરી પ્રથમ ક્રમે,સગા સ્નેહીઓને ભેટ આપવા માટેની જવેલરી બીજા નંબરે તેમજ સગાઈ રીંગનું સ્થાન ત્રીજા નંબરે રહ્યું હતુ.

લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ઉત્પાદકોનું ઓનલાઇન બિઝનેસ પર ફોકસ

સુરતમાં જ્વેલરી ક્ષેત્ર સંકળાયેલી અનેક કંપનીઓ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરી રહી છે. આવી કંપનીઓએ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં ખાસ ડિઝાઇનર કલેક્શન રજૂ કર્યા છે. આ ઉપરાંત 14, 18 કેરેટ ગોલ્ડ અને પ્લેટીનમમાં ડિઝાઇનર ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે.

મોટાભાગની કંપનીઓ ઓનલાઇન બિઝનેસ પર ફોકસ વધારી રહી છે. વેબસાઇટ પર બધી જ જ્વેલરી રેગ્યૂલર રાઉન્ડ અને ફેન્સી શેપમાં ઉપલબ્ધ છે. ગ્રાહક ઓનલાઇન વીડિયોકોલ કરીને પ્રોડક્ટ સિલેક્ટ કરી શકે તેવી પણ વિશેષ સગવડ આપવામાં આવી છે.

વળી તેમા EMI, 11+1 પેમેન્ટ પ્લાન પણ રજૂ કરવામાં આવ્યાં છે. દરેક પ્રકારના ક્રેડિટ કાર્ડ, વોલેટ અને પેમેન્ટ ઓપ્શનથી પ્રોડક્ટનું પેમેન્ટ ગ્રાહક કરી શકે છે. પ્રોડક્ટની ખરીદી બાદ ડિલીવરી પ્રોસેસ ઓનલાઇન મોનીટર કરી શકે છે. કંપની દ્વારા ફ્રી ઇન્શ્યોરડ શિપિંગની સુવિધા પણ આપવામાં આવે છે.