નવનિર્મિત લેબગ્રોન ડાયમંડ એસો.ની બેઠકમાં હોદ્દેદારોની થશે નિમણુંક

DIAMOND TIMES -કુદરતી હીરાની સાથે સુરત હવે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન અને નિકાસના ક્ષેત્રમાં મક્કમતા થી પ્રગતિ કરી રહ્યુ છે.વૈશ્વિક અહેવાલ મુજબ આગામી ગણતરીના વર્ષોમાં સુરત લેબગ્રોનના ઉત્પાદનમાં વિશ્વ ચેમ્પિયન બને તેવા તમામ ઉજળા સંજોગો છે. આ બાબતને ધ્યાનમાં રાખી સમયની જરૂરીયાત મુજબ લેબગ્રોન ઉત્પાદકો,ટ્રેડર્સ અને કારોબારીઓ સહીત સહુના સહિયારા પ્રયાસથી લેબગ્રોન ડાયમંડ એસોસિયેસનની રચના કરવામાં આવી છે.જેની આવતી કાલે કતારગામ ખાતે બેઠક મળવાની છે.

સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગની સમસ્યાનું નિવારણ કરવાનો અને લેબગ્રોન હીરાનું પ્રમોશન કરવાનો છે : ડો. સ્નેહલ પટેલ

આવતીકાલે કતારગામ ખાતે મળનારી બેઠકના એજન્ડા અને સંગઠનનો ઉમદા ઉદ્દેશ્ય અંગે પ્રતિભાવ આપતા ભંડેરી લેબગ્રોન ડાયમંડના સીઈઓ ડો. સ્નેહલ પટેલે કહ્યુ કે સુરતમાં લેબગ્રોનનું ઉત્પાદન,રફ લેબગ્રોન હીરાને તૈયાર કરવા માટે મેન્યુફેકચરીંગ ટ્રેડીંગ અને નિકાસ ઝડપથી વધી રહી છે,આ સેક્ટરની ઝડપી વૃદ્ધિને જોતા વિપુલ પ્રમાણમાં રોજગારીની પણ તકો ઉપલબ્ધ થવાની છે.આ બાબતને લક્ષમાં રાખી આ સંગઠનની રચના કરવામાં આવી છે.સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય લેબગ્રોન ઉદ્યોગની વિવિધ સમસ્યાઓને લાગતા વળગતા સરકારી વિભાગોમાં અસરકારક રીતે રજુઆત કરી તેનું નિવારણ લાવવાનો તેમજ લેબગ્રોન હીરાનું પ્રમોશન કરવાનો છે.

આવતીકાલ તારીખ 18-ઓગષ્ટ અને બુધવારના રોજ સાંજે 05-કલાકે,શ્રી સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી, કતારગામ ખાતે નવનિર્મિત લેબગ્રોન ડાયમંડ એસોસિયેસનની મળનારી બેઠકના એજન્ડા અંગે તેમણે કહ્યુ કે આ પ્રથમ બેઠકમાં સર્વસહમતિથી નવરચિત સંગઠનના પ્રમુખ,ઉપપ્રમુખ સહીત અન્ય હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવનાર છે.સંગઠનના પ્રમુખ પદ્દની જવાબદારી બાબુભાઈ વાઘાણી અને ઉપ-પ્રમુખની જવાબદારી હરેશભાઈ નારોલાના શિરે આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે.