આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન : 5481 બેઠકો પર 22170 ઉમેદવારો મેદાનમાં

85

ડાયમંડ ટાઈમ્સ
આવતીકાલે 28મી ફેબ્રુઆરી અને રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થવાનુ છે.31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની કુલ 5481 બેઠકો પર 22170 ઉમેદવારો મેદાનમાં છે.જેના ભાવિનો ફેંસલો કરતા 2 માર્ચે મત ગણતરી હાથ ધરાશે.ચૂંટણીને શાંતિ પુર્વક સંપન્ન કરાવવા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.ચૂંટણી બંદોબસ્ત માટે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને SRPની 65 કંપની તૈનાત કરવામાં આવી છે.

ભાજપના દિગ્ગજ નેતાઓએ કર્યો ઝંઝાવાતી પ્રચાર

ગુજરાતમાં પહેલા તબક્કામાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓ પછી તાલુકા-જિલ્લા-પાલિકાની ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમા ફટકો પડતા કોંગ્રેસ પણ દોડતી થઈ છે. ગઈ કાલે શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. અનેક વિસ્તારોમાં ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શો કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ચૂંટણીને શાંતિ પુર્વક સંપન્ન કરાવવા પોલીસ સજ્જ : પોલીસ વડા આશિષ ભાટિયા

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, ઈવીએમ સ્ટ્રૉંગ રૂમ પર એસઆરપી તૈનાત રહેશે. સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સજ્જ રહેશે. આવતીકાલે 26 હજાર કોન્સ્ટેબલ અને 2800 અધિકારી ફરજ બજાવશે. 13 DySP અને 65 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સની 12 કંપનીઓ ખડેપગે રહેશે. સંવેદનશીલ વિસ્તારની ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી છે અને નાસતા ફરતા 1980 આરોપીને પકડીને લોકઅપ ભેગા કરાયા છે. સૌથી વધુ આરોપીઓ બનાસકાંઠામાંથી પકડાયા છે. 97 આંતર રાજ્ય અને 437 આંતરિક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.કોવિડની ગાઈડલાઈનનું પણ પોલીસ કડક પાલન કરાવશે.

ચૂંટણી પહેલા કેશોદ ભાજપમાં ભૂકંપ :
જૂનાગઢના કેશોદ ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. કેશોદમાં ચૂંટણીના પડઘમ શાંત થતા જ કેશોદ પાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઇ સાવલિયાએ ભાજપને અલવિદા કહ્યું છે. 1992 થી ભાજપ સંગઠન સાથે રહી ચૂકેલા પ્રમુખે ભાજપમાંથી વિદાય લીધી છે. યોગેશભાઈ સાવલિયાએ ભાજપ શહેરના નવા સંગઠનના હોદ્દેદારો પર ટિકિટની વહેંચણીને લઇને વહીવટી પ્રક્રિયામાં ગોલમાલ કર્યાના આક્ષેપ કર્યા છે. નવા સંગઠનના હોદ્દેદારો પર એસીબી તપાસ ચાલું હોય તેમ છતાં તેમને હોદ્દા અપાતાં પ્રમુખે રોષ વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય સહિત અનેક રાજકીય નેતાઓ અને વેપારીઓએ પ્રમુખને રાજીનામું આપતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, છતાં તેમણે પક્ષને રાજીનામુ સોંપ્યું છે.